share Knowledge with JayNandasana


Tuesday, 12 February 2013

મારું જીવન અંજલિ થાજો.-કરસનદાસ માણેક

મારું જીવન અંજલિ થાજો.



જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો…મારું જીવન અંજલિ થાજો.
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો,
હૈયાનાં પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો…મારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક્ડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદી ઓલવાજો…મારું જીવન અંજલિ થાજો.
—કરસનદાસ માણેક

------------------------------------------------------------------------------------------------------------

કરસનદાસ નરસિંહ માણેક-વૈશમ્પાયન,(૨૮-૧૧-૧૯૦૧- ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર.

જામનગર જિલ્લાના હડિયાણાના વતની.

 જન્મ કરાંચીમાં. વડોદરામાં અવસાન.

વસવાટ મુંબઈમાં૧૯૨૩માં કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ ભોગવ્યો.
૧૯૩૯થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૧થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું.