share Knowledge with JayNandasana


Thursday, 3 January 2013

કુદરતની 7 અજાયબીઓ (સમયાંતર)



કુદરતની 7 અજાયબીઓ (સમયાંતર)


સ્વિટ્ઝર્લેન્ડના સેવન વન્ડર ફાઉન્ડેશને’ ૧૧-૧૧-૧૧ ના દિવસે સાત કુદરતી અજાયબીઓની પણ જાહેરાત કરી દીધી છે. આમ તો કુદરતની દરેક રચના અજાયબી ભરી છે પણ આ સેવન વન્ડર ખરા અર્થમાંવન્ડરફુલ છે! એ સાત અજાયબીઓ કઈ છે અને કેવી છે?એક શાબ્દિક સફર...
 
ઈગુઆઝુ ધોધ (બ્રાઝિલ અને આર્જેન્ટિના)
૧૫૪૧માં રખડતા રખડતા સ્પેનિશ પ્રવાસી ડોન અલ્વરે આ ધોધ જોયેલો.ધોધ સુધી પહોંચનારો તે પહેલો યુરોપિયન હતો.
એમેઝોનનાં વર્ષા જંગલોમાંથી પસાર થતી ઈગાઝુ નદી પર આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે ૮૦ મીટર નીચે પાણી ખાબકે છે, ત્યાં આ ધોધ સર્જાય છે. ઈગુઆઝુ ધોધ જગતના સૌથી મોટા ધોધ પૈકીનો એક છે. આખો ધોધ તો અર્ધગોળાકાર આકારમાં પોણા ૩ કિલોમીટર (૨૭૦૦ મીટર) સુધી ફેલાયેલો છે. એવા આકારને કારણે એ ડેવિલ્સ થ્રોટ (શેતાનનું ગળું)ના હુલામણા નામે પણ ઓળખાય છે.
ધોધની કુલ ૨૭૫ શાખાઓ છે એટલે કે પોણા ત્રણસો નાના ધોધ એકઠા થઈને એક ધોધ બન્યો છે. ધોધ આસપાસ ફેલાયેલાં વર્ષા જંગલોમાં બે નેશનલ પાર્ક છે, જ્યાં ૨૦૦૦ કરતાં વધારે પ્રકારના સજીવોનો વસવાટ છે. બ્રાઝિલના કુરુટિબામાંથી શરૂ થતી ઈગાઝુ નદી થોડા પ્રાંતમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના વચ્ચે સરહદનું કામ પણ કરે છે. ૧૯૮૬માં આવેલી રોબર્ટ ડી નીરોની ફિલ્મ ‘ધ મિશન’માં આ ધોધનો દર્શનીય નજારો દર્શાવાયો છે. ફિલ્મનો સૌથી જાણીતો સીન પણ એ જ છે, જેમાં કોઈ ઉપરથી ધોધમાં નીચે પડતું હોય છે. ઈગાઝુ નેશનલ પાર્કને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે.

પોર્ટુ પ્રિન્સેસા અન્ડર ગ્રાઉન્ડ નદી (ફિલિપાઈન્સ)
૨૦૦૭ સુધી પોર્ટુ પ્રિન્સેસા સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ નદી હતીપરંતુ મેક્સિકોના યુક્તાન પ્રાંતમાં ૧૫૩ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ નદી મળી આવી છે. હવે ૨૦૧૧માં એમેઝોન નીચે પણ સમાંતર વહેતી નદી નોંધાઈ છે.
ફિલિપાઈન્સના પોર્ટુ પ્રિન્સેસા શહેર જે ટાપુ પર વસેલં છે ત્યાં તળિયે ૮.૨ કિલોમીટર લાંબી નદી વહે છે! એકચ્યુલી પોર્ટુ ટાપુ પર એક ગુફા છે જેમાં આ નદી વહે છે. કોઈ ડ્રેસ મટીરિયલથી લથબથ દુકાનમાં પ્રવેશતી વખતે ફરતી બાજુ વસ્ત્રો ટીંગાતાં હોય એમ આ નદીમાં પ્રવેશતી વખતે ગુફાના પથ્થરો ઝળુંબતા દેખાય.
દક્ષિણ ચીની સમુદ્રમાં મળતા પહેલાં આ નદી લાઈમ સ્ટોનના ખડકો (ચૂનાના પથ્થરો)માંથી પસાર થાય છે. પરિણામે પથ્થરો કોતરીને વિશાળ ચેમ્બરો બનાવી હોય એવી ગુફાઓ બની ગઈ છે. સૌથી મોટી ચેમ્બર ૧૨૦ મીટર પહોળી અને ૬૦ મીટર (૨૦૦ ફીટ) ઊંચી છે. આખી નદી પહાડ નીચે હોવા છતાં હોડીમાં બેસીને તેનો પ્રવાસ કરી શકાય છે. એટલે એ સમયે પ્રવાસીની હાલત ઉપર પર્વત અને નીચે પાણી એવી અને વળી તેની નીચે ફરીથી પર્વત એવી હોય છે!
ટેબલ માઉન્ટેન (દક્ષિણ આફ્રિકા)
બાય ધ વેમહારાષ્ટ્રના પંચગીનીમાં પણ આવો એક સપાટ ટોચ ધરાવતો પર્વત છે અને ત્યાં રાજા હિન્દુસ્તાની’ સહિતની ઘણી ફિલ્મોનાં શૂટિંગ થઈ ચૂક્યાં છે.
નામ પ્રમાણે જ આ પર્વતનો આકાર ટેબલ જેવો છે. દક્ષિણ આફ્રિકી શહેર કેપટાઉનના છેવાડે આવેલો આ પર્વત જાણે વિશાળ ટેબલ બનાવ્યું હોય એવો દેખાય છે. એ કુદરતી ‘ટેબલ’ પર જવા માટે રોપ-વેની વ્યવસ્થા છે. ૧૮૬૫માં બ્રિટિશર થોમસ મેકલરે સૌથી પહેલાં આ પર્વતનું માપ કાઢયું. પર્વત સમુદ્ર સપાટીથી ૩,૫૬૩ ફીટ ઊંચો છે. જોકે તેના પર પહોંચનાર સૌથી પહેલો તો એન્ટિનિયો સાલ્ડાન્હા નામનો પોર્ટુગીઝ કેપ્ટન હતો.
એ છેક ૧૫૦૩માં ટેબલ માઉન્ટેન પર પહોંચેલો. એ પહેલાં પણ કોઈ એ પર્વત પર પહોંચ્યું હોઈ શકે પણ તેની કોઈ નોંધ નથી. સાહસિકો માટે ટ્રેકિંગ, વોકિંગ,ક્લાઈમ્બિંગ દ્વારા પર્વત પર ચડવાની એક્ટિવિટી અહીં સતત ચાલતી રહે છે. વળી પર્વતના બાકોરામાં રહેલી ગુફાઓ પણ સાહસિકોને આકર્ષે છે. વાદળો ટેબલ માઉન્ટેન પરથી પસાર થતાં હોય ત્યારે વળી ત્યાં વિશાળ ગાદલું પાથર્યું હોય એવું દૃશ્ય સર્જાય છે. ઉપરથી કેપટાઉનનો દરિયાકિનારો, આખું શહેર અને દૂર દૂર સુધીનો નયનરમ્ય નજારો દેખાય છે. ૨.૬ કરોડ વર્ષ જૂનો આ પર્વત જગતના સૌથી પ્રાચીન પર્વતો પૈકીનો એક છે.
હાલોંગ બે (અખાત) (વિએટનામ)
બોન્ડ સિરિઝની ફિલ્મ ટુમોરો નેવર ડાઈઝના કેટલાક સીન્સ અહીં શૂટ થયા છે.
ફિલ્મ અવતારમાં ઊડતા પહાડો દેખાય છે એવા ઊડતા તો નહીં પણ એટલા જ કે એનાથી વધારે બ્યુટીફૂલ પહાડો-ખડકો જોવા હોય તો હાલોંગ બીચની મુલાકાતે જવું પડે. ૧૨૦ કિલોમીટરના દરિયાકાંઠામાં ફેલાયેલા લાઈમ સ્ટોનના ૧૬૦૦ જેટલા પથ્થરો કે પહાડો હજારો પ્રવાસીઓને આકર્ષે છે. વળી દરિયાના શુદ્ધ પાણીમાં ખાસ્સા ઊંડે સુધી ફેલાયેલી કોરલ રિફ જોઈ શકાય છે. સપાટી પર રેતીના નાના-નાના ઢગલા કર્યા હોય એવા આ ટાપુઓ દૂરથી દેખાય છે.
કોઈની વળી સપાટ દીવાલો છે, તો કોઈકનો આકાર ટાવર જેવો છે. ક્યાંક ક્યાંક બે પથ્થરો બાજુ બાજુમાં રહી જોડિયા ભાઈ હોય એમ ઊભા છે એટલે એમની વચ્ચે હોડી પસાર થઈ શકે એવી ગુફાઓ પણ બની છે. આ પથ્થરિયા ટાપુઓ પર માણસોનો ક્યાંય વસવાટ નથી અને પ્રવેશ કરવાની પણ મહદઅંશે મનાઈ છે. પરિણામે તેનું પર્યાવરણ જોખમાયું નથી. આ અખાતની બ્યૂટી હજુ સુધી અકબંધ છે અને અકબંધ રહે એ માટે વિએટનામ સરકારે બહુ આકરા કાયદા કાનૂન રાખ્યા છે. હેલોંગ અખાત પણ ૧૯૯૪થી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. તો વળી જગતના સૌથી સુંદર દરિયાકાંઠાઓમાં પણ તેનો સમાવેશ થાય છે.
જેજુ આઈલેન્ડ (દક્ષિણ કોરિયા)
૧૨મી સદીમાં આ ટાપુ પર લશ્કરી મથક હતું. હવે ફરીથી કોરિયન સરકાર ત્યાં ડિફેન્સ અડ્ડા બનાવવાની તૈયારીમાં છે.
દક્ષિણ કોરિયાના પણ દક્ષિણ છેડે આવેલા જેજુ ટાપુઓ હનીમૂન માટે ફેરવિટ છે. અમેરિકાના હવાઈ ટાપુ સુધી જે જઈ ન શકે એ અહીં આવે છે, કેમ કે એ ટાપુઓ મિની હવાઈ ટાપુ જેવા છે. પર્વતો, ધોધ, દરિયાકાંઠો, રેતાળ બીચ વગેરે આકર્ષણો અહીં એકસાથે ભેગાં થયાં છે.
જ્વાળામુખીથી બનેલા આ ટાપુ પર સ્થાનિક પ્રજાના ઈશ્વર ઉદ્ભવ્યા હોવાની પણ માન્યતા છે. એક મોટા હીરા ફરતે નાના નાના સંખ્યાબંધ હીરાઓ ગોઠવાયા હોય એમ એક મોટા વોલ્કેનિક ટાપુ ફરતે ૩૬૦ નાના જ્વાળામુખી કેન્દ્રો દરિયા બહાર ડોકાય છે. એટલે આકાશમાંથી એ નજારો જોવા જેવો થાય છે. ટાપુ હવે બે શહેરોમાં વહેંચાયેલો છે.
એમેઝોનનાં વર્ષા જંગલો (દક્ષિણ અમેરિકા ખંડના ૯ દેશો)
એમેઝોનનો પટ ક્યાંક તો સો કિલોમીટર પહોળો છે પણ નદી આખી પાર કરી શકાય એવો એક પણ પૂલ તેના સાડા છ હજાર કિલોમીટર લાંબા વહેણમાં નથી!
કોઈ પણ કુદરતી અજાયબીનું લિસ્ટ એમેઝોનનાં વર્ષા જંગલો વગર અધૂરું જ ગણાય. ભારત કરતાં લગભગ બે ગણા (૬૦ લાખ ચોરસ કિલોમીટર) વિસ્તારમાં ફેલાયેલાં આ જંગલો જગતનાં સૌથી ગાઢ જંગલોમાં સ્થાન પામે છે. આખા જગતમાં જેટલાં વર્ષા જંગલો (રેઈન ફોરેસ્ટ) છે એમાંથી અડધાં અહીં છે. સૌથી મોટી એમેઝોન નદીની બન્ને બાજુ વિસ્તરેલાં આ જંગલો સાહસિકો માટે ડ્રીમ ડેસ્ટિનેશન છે.જેગુઆર નામે ઓળખાતો દીપડાનો પ્રકાર માત્ર આ જ જંગલોમાં જોવા મળે છે, તો એનાકોન્ડા જેવા વિશાળકાય સાપના બહુ ઓછા ઘર પૈકીનું એક ઘર એમેઝોનનાં જંગલો છે. જંગલો એટલાં મોટાં છે કે દક્ષિણ અમેરિકા ખંડનો ૪૦ ટકા ભાગ તેની છાયામાં આવી જાય છે. જંગલમાં ૪૦ હજાર કરતાં વધારે પ્રકારનાં વૃક્ષો છે અને સજીવોનો તો પાર નથી.૩૫૦ પ્રકારની આદિવાસી પ્રજાતિઓ અહીં રહે છે.
જમીન પર પથરાયેલા વેલાથી માંડીને ૨૦૦-૨૫૦ ફીટ ઊંચાં વૃક્ષો સુધીની વરાયટી અહીં ઉપલબ્ધ છે. જગતનો સૌથી ઊંચો (એકાદ કિલોમીટર) એન્જલ ધોધ પણ આ જંગલની ભાગોળે આવેલો છે. તેના વિશાળ કદને કારણે તેને પૃથ્વીનાં ફેફસાં પણ કહેવામાં આવે છે. મય, ઈન્કા અને આઝતેક સંસ્કૃતિનાં કેટલાંક નગરો આ જંગલોમાં દટાયેલાં પડયાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જોકે વિકાસની દોટમાં સામેલ થયેલો દેશ બ્રાઝિલ ખેતરાઉ જમીન વધારવા જંગલો કાપી રહ્યો છે.
કોમોડો નેશનલ પાર્ક (ઇન્ડોનેશિયા)
છેલ્લાં ૩૫ વર્ષમાં કુલ ચાર વખત કોમોડો ડ્રેગનના હુમલા નોંધાયા છે. ૧૯૭૪૨૦૦૦૨૦૦૭ અને ૨૦૦૯માં.
મગરના કદનો કાચિંડો ક્યાંય જોયો છે? જોવાનું તો ઠીક તેની તો કલ્પના પણ મુશ્કેલ છે પણ જો ઇન્ડોનેશિયાના કોમોડો ટાપુ પર તમે પહોંચો તો તમને કોમોડો ડ્રેગન નામે ઓળખાતા આવા કાચિંડા જોવા મળશે. અને તમે સાવધાન નહીં હો તો થોડી વારમાં તમારો શિકાર પણ થઈ જઈ શકે છે! જમીન પર મગરની જેમ ચાલતા આ વિશાળકાય કાચિંડાઓ આખા જગતમાં અહીં જ જોવા મળે છે. તેમના રક્ષણ હેતુથી ૧૯૮૦થી કોમોડો અને બીજા બે ટાપુને કોમોડો નેશનલ પાર્ક જાહેર કરી દેવાયો છે. આ બધા ટાપુ જ્વાળામુખીના પ્રતાપે બનેલા છે.
દસેક ફીટ લાંબા, ૬૦-૭૦ કિલો વજનના આ કાચિંડાઓની વસતી અહીં લગભગ ૨૫૦૦ જેવી છે. ૧૮૧૭ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પાર્કમાં કોમોડો ડ્રેગન ઉપરાંત બીજા ઘણા સજીવો જોવા મળે છે. બે ટાપુઓ વચ્ચે દરિયાના પાણીમાં કોરલ રીફની સમુદ્ધિ પણ ખરી. ડાયનોસોર નાશ પામ્યા પરંતુ તેમની જીવંત પ્રતિકૃતિ જેવા આ કાચિંડા લાખો વર્ષોથી આ ટાપુ પર જ રહે છે. ટાપુ આસપાસ લગભગ ચારેક હજાર લોકોનો વસવાટ છે. કોમોડો ડ્રેગનના દાંત શાર્ક માછલી જેવા તિક્ષ્ણ હોય છે. આ ટાપુથી આમ તો સ્થાનિક વસવાટ કરનારાઓ દૂર જ રહે છે, પણ ક્યારેક કોઈ ડ્રેગનની હડફેટે ચડે તો તેમના હાડકાં ભાંગ્યાં વગર રહેતાં નથી.
અજાયબીઓ નક્કી કરવાનું બીડું સ્વિટ્ઝર્લેન્ડના ફિલ્મ મેકર અને મ્યુઝિયમ ક્યૂરેટર બર્નાડ વેબરે ઝડપ્યું છે. ૨૦૦૧માં તેણે સેવન વન્ડર ફાઉન્ડેશન સ્થાપ્યું. ૧૧-૧૧-૧૧ની તારીખ પસંદ કરી તેણે સાત અજાયબીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. ૨૦૧૨માં એ જાયબીઓની ઝાકમઝોળ સાથે સત્તાવાર જાહેરાત થશે. લિસ્ટ અને વેબર વિશે થોડા-ઘણા વિવાદો પણ થયા છે.
નોમિનીઝ આર ધ..
સાત અજાયબીઓ જાહેર થતાં પહેલાં ૨૮ અજાયબીઓ ફાઈનલ લિસ્ટ માટે નોમિનેટ થયેલી. એમાંથી ફાઈનલમાં નથી પહોંચી એ અજાયબીઓ...
નામદેશ
એન્જલ ધોધવેનેઝુએલા
ફન્ડીનો અખાતકેનેડા
બ્લેક ફોરેસ્ટજર્મની
બુ તિન્હા ટાપુયુ.એ.ઈ.
મોહરની કરાડોઆયર્લેન્ડ
મૃત સમુદ્રઈઝરાયેલ, જોર્ડન,પેલેસ્ટાઈન
અલયાંકનાં જંગલોપોર્ટુરિકો
ગાલાપાગોસઇક્વેડોર
ગ્રાન્ડ કેન્યન ખીણયુ.એસ.એ.
ગ્રેટ બેરિયર રીફઓસ્ટ્રેલિયા
જૈતા ગ્રોટો ગુફાઓલેબનોન
કિલિમાન્જારો પર્વતટાન્ઝાનિયા
માલદિવ્સ ટાપુઓમાલદિવ્સ
માઉન્ટેઈન લેકપોલેન્ડ
માઉન્ટ વિસુવિયસઈટાલી
માઉન્ટ ર્કાિવનોઈટાલી- સ્વિત્ઝરલેન્ડ
મિલફોર્ડ સાઉન્ડન્યૂઝિલેન્ડ
આર્યસ રોક્સઓસ્ટ્રેલિયા
સુંદરવનભારત-બાંગ્લાદેશ
મડ વોલ્કેનોઅઝરબૈઝાન
યુશાન પર્વતમાળાચીન-તાઈપેઈ

No comments :

Post a Comment