મોટી ફાઈલને ઈન્ટરનેટ પર કઈ રીતે શેર કરવી
જો તમારે કોઈ મોટી ફાઈલને કોઈની સાથે ઈન્ટરનેટ પર શેર કરવી હોય તો તેના બે રસ્તા છે, એક તો તમે એ ફાઈલને મેઈલ માં અટેચ કરીને મોકલી શકો છો અથવા તો ફાઈલ એટલી મોટી હોય કે ઈમેઈલમાં ના આવી શકે તો કોઈ ઓનલાઈન સ્ટોરેજ સર્વરમાં અપલોડ કરો અને તેની ડાઉનલોડ લીંક મેઈલમાં મોકલો અને તે લીંકથી ડાઉનલોડ કરાવો.
તો હવે આપણે એવા સર્વિસ પ્રોવાઇડર વિષે ચર્ચા કરીએ જે આવી સર્વિસ આપે છે અને તેનાથી ઈન્ટનેટ પર મોટી ફાઈલ શેર કરવી ઘણીજ આસાન થઇ જાય છે અને તદન ફ્રી પણ છે.
૧. ફાઈલને ઈમેઈલ દ્વારા શેર કરવી:
જીમેઇલ ૨૫ એમબી થી મોટી ફાઈલને ઈમેઈલમાં અટેચ કરવાની સુવિધા નથી આપતું. તેના અવેજી તરીકે હોટમેઈલ ૧૦ જીબી સુધીના અટેચમેન્ટ કરવાની સુવિધા આપે છે, પરંતુ એક ફાઈલ ૫૦ એમબીથી મોટી ના હોવી જોઈએ.
એચજે સ્પ્લીટ જેવી યુટીલીટી થી તમે કોઈ પણ ફાઈલ ના ઈચ્છો તેટલા ટુકડા કરી શકો છો અને ઈચ્છો ત્યારે એ ટુકડાઓને જોડી પણ શકો છો. તેમજ તમે કોઈ ફાઈલને વિનરાર કે ઝીપ જેવા સોફ્ટવેર થી પણ રાર કે ઝીપ માં કન્વર્ટ કરી શકો છો અને કન્વર્ટ કરતી વખતે તેના ટુકડા કરી શકો છો. અને જયારે તમે તેને અનઝીપ અથવા અનરાર કરો ત્યારે તે ફરી એક મોટી ફાઈલ બની જાય છે. તો આવી ફેસીલીટી દ્વારા તમે ફાઈલના ટુકડા કરી અને મોટી ફાઈલ ને હોટમેઈલ માં અટેચ કરી શકો છો.
પરંતુ હવે પ્રોબ્લેમ એ થાય કે મોટા ભાગના ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અને ઇવન જીમેઇલ પણ ખુબ મોટી ફાઈલ અટેચ કરી હોય એવા ઈમેઈલ ને રિસીવ નથી કરતુ. આથી બધી મહેનત પાણી માં જાય છે.જો તમે જેને મેઈલ મોકલતા હોય એ ઈમેઈલ અડ્રેસ પણ હોટમેઈલનું જ હોય અથવા ફાઈલ ૫૦ એમ બી કરતા નાની હોય ત્યાં સુધી ઠીક છે, બાકી આ સુવિધાનો કોઈ જ અર્થ રહેતો નથી. તો હવે આપને જોઈએ ઈમેઈલ વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી.
૨. ફાઈલને ઈમેઈલ સર્વિસ વગર શેર કરવી:
ઈમેઈલ વગર કોઈ ફાઈલને શેર કરવી હોય તો તેનો બેસ્ટ રસ્તો કોઈ હોય તો એ છે ડ્રોપબોક્ષ(www.dropbox.com). એક વખત તમે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી લીધી પછી તમે ૨ જીબી સુધીની ફાઈલ ને ઈન્ટરનેટ પર અપલોડ કરી શકો છો અને તેની લીંક તમે કોઈને ઈમેઈલમાં મોકલી શકો છો. અને આ લીંક થી તે ફાઈલ સીધીજ ડાઉનલોડ કરી શકાય છે. જો ફ્રી એકાઉંટ હોય તો તમને ટોટલ ૨ જીબી સુધીનું ઓનલાઈન સ્ટોરેજ મળે છે. એટલે કે તમારી ઈન્ટનેટ પર ૨ જીબી ની પર્સનલ ડ્રાઈવ. હવે જો તમારે ડ્રોપબોક્ષ યુટીલીટી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ ના કરવી હોય તો તમે સીધુ જ ડ્રોપબોક્ષની વેબસાઈટ પર કોઈ પણ ફાઈલને અપલોડ કરી શકો છો. પરંતુ એ ફાઈલ ૩૦૦ એમ બી થી મોટી ના હોવી જોઈએ.
બીજો રસ્તો છે ગૂગલ ડોક્સ. ગૂગલ ડોક્સ માં તમે ૨૫૦ એમ બી સુધી ની કોઈ પણ ફોરમેટ ની ફાઈલ અપલોડ કરી શકો છો. તેમાં તમને ટોટલ ૧ જીબી જેટલું સ્ટોરેજ કરવા મળે છે. હવે આ બંને સર્વિસ માં એક જ પ્રોબ્લેમ છે અને એ છે કે તમે રીઝ્યુંમ ના કરી શકો. એટલે કે એક વખત ફાઈલ ડાઉનલોડ કે અપલોડ કરતી વખતે ઈન્ટરનેટ બંધ થઇ ગયું અથવા ડાઉનલોડ કે અપલોડ અટકી ગયું તો આખી ફાઈલ ફરી વાર ડાઉનલોડ કે અપલોડ કરવી પડે. અને જેને સ્લો ઈન્ટનેટ હોય તેમના માટે આ સુવિધા ખરેખર માથાના દુખાવા જેવી સાબિત થઇ શકે છે.
સ્કાય ડ્રાઈવ(http://skydrive.live.com/) પણ આવી જ સર્વિસ પ્રોવાઇડ કરે છે અને તે માઈક્રોસોફ્ટની પોતાની સર્વિસ છે. સ્કાઈડ્રાઈવ ૨૫ જીબી સુધીનું સ્ટોરેજ સ્પેસ આપે છે. પરંતુ ૫૦ એમબી થી મોટી ફાઈલ તમે અપલોડ કરી શકતા નથી. આથી તમારે મોટી ફાઈલના ટુકડા કરવા પડે અને પછી તેને અપલોડ કરવા પડે.
૩ . કોઈપણ જાતના સાઈનઅપ કે લોગીન વગર મોટી ફાઈલને કઈ રીતે શેર કરવી:
જો તમારે ખુબજ મોટી ફાઈલને શેર કરવી હોય અને તમારું એકાઉંટ ઉપરની કોઈ પણ સર્વિસ કે વેબસાઈટમાં ન હોય અને તમને ફાઈલ શેર કરવાની ઉતાવળ હોય અને જલ્દી થી કામ પતાવવું હોય તો યુસેન્ડઈટ(https://www.yousendit.com/) અને વીટ્રાન્સફર(https://www.wetransfer.com/) જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. જેમાં તમારે ફક્ત વેબસાઈટ ઓપન કરવાની અને ફાઈલ અપલોડ કરવાની અને જેને ઈમેઈલ માં આ લીંક મોકલવાની હોય તેનું ઈમેઈલ અડ્રેસ ટાઇપ કરી અને સેન્ડ બટન દબાવી દો. બસ થઇ ગઈ ફાઈલ શેર. વીટ્રાન્સફર ૨ જીબી સુધીની ફાઈલ શેર કરવા આપે છે જયારે યુસેન્ડઈટ નું ફ્રી વર્ઝન ૧૦૦ એમબી સુધીની ફાઈલ અપલોડ કરવા આપે છે.
આ લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.
No comments :
Post a Comment